વડોદરાના મકરપુરામાં મંગળવારે સાંતા ક્લોઝના કપડા પહેરેલા શશિકાંત ડાભીને ટોળાએ ધીબી નાખ્યો છે. શશિકાંત અવધૂત સોસાયટીમાં ક્રિસમસ મનાવવા પહોંચ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ હોવાના કારણે તે સાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા. ત્યાં ખ્રિસ્તી પરિવારના ઘરે ક્રિસમસનું ફંક્શન હતું જ્યાં તે વિશ કરવા માટે ગયો હતો. શશિકાંત જોડે ખ્રિસ્તી ધર્મના અમુક નેતા પણ હતા.
અચાનક ટોળાએ સાંતા ક્લોઝને ધીબી નાખ્યો
અવધૂત કોલોનીમાં ખ્રિસ્તી પરીવારના લોકો શાંતિથી ક્રિસમસ ઉજવતા હતા ત્યાં અચાનક ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ જબરદસ્તી ઘરમાં ક્રિસમસની ઉજવણી બંધ કરી દીધી હતી તેવો ખ્રિસ્તી પરિવારે આક્ષેપ કર્યો હતો. કંઈ ખબર પડે તેની પહેલા જ ટોળાના લોકો સાંતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધો હતો અને કપડા ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તે બધા લોકોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ટોળાના લોકોએ કહ્યું હતું કે આ એરિયા હિંદુ વિસ્તારનો છે, એટલે અહીં આવા તહેવારો ઉજવી શકાય. ટોળાનું એવું કહેવું હતું કે શશિકાંત ડાભી હિંદુ વિસ્તારમાં સાંતા ક્લોઝના કપડા પહેરીને ફરી રહ્યો હતો અને ચોકલેટ વેચી રહ્યો હતો.
મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ત્યાના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખ્રિસ્તી ફાધરના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસનું ધ્યાન પડતા તેમણે પણ કાર્યવાહી કરી હતી અને ફરિયાદ નોંધી છે. હવે ખ્રિસ્તી ધર્મના લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેમનું કહેવું છે કે આ બનાવ બાદ અમારી જીવને જોખમ છે માટે અમને પોલીસ પ્રોટેક્શન આપો.