મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન વરઘોડાને અકસ્માત નડ્યો છે. કારચાલક નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં તેણે કાર જાનૈયાઓ પર ચલાવી દીધી. જેને કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત લીધી હતી.
બે લોકોના થયા મોત
બાલાસિનોર શહેરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડયો છે. સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં નશામાં ધુત સ્વીફટ કાર ચાલકે વરઘોડા ઉપર કાર ફેરવી દીધી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડાને આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે વરઘોડામાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે.