શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ નાની ભેદ રેખા હોય છે. શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધામાં ફેરવાઈ જતી હોય છે તેનો ખ્યાલ પણ નથી આવતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધા પર શ્રદ્ધા રાખી અનેક લોકો ગુન્હો કરી દેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકાથી પતિએ તેની પર છરી વડે હુમલો કર્યો હતો. ન માત્ર પત્ની પર જીવલેણ હુમલો કર્યો પરંતુ બાળકના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. આટલું કર્યા બાદ તેણે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
મેલી વિદ્યા કરતી હોવાની આશંકાને લઈ પતિએ કર્યો પત્ની પર હુમલો
ગુજરાતને આમ તો મહિલાઓ માટે સેફ સ્ટેટ ગણવામાં આવે છે. પરંતુ આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર હુમલો કરવામાં આવતો હોય છે. મહિલા તો હવે જાણે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પરિવારના સભ્ય દ્વારા જ મહિલા પર અત્યાચાર થતો હોય તેવું લાગે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે જામનગરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ પહેલા પત્ની તેમજ બાળક પર હુમલો કર્યો અને પછી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પત્ની મેલી વિદ્યા કરતી હોય તેવી આશંકા પતિને હતી. પોતાને કંઈ થઈ જશે તેવું વિચારી પત્ની પર છરી વડે હુમલો કર્યો. તુલસીભાઈએ જોનીબેનના ગળા પર ચપ્પાથી હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત કરી દીધી. બાળક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આ મામલે હાથ ધરી તપાસ
બનાવની જાણ થતાં જ આડોશી પાડોશી ત્યાં આવી પહોંચ્યા હતા. અને 108ની ટીમને જાણ કરવામાં આવી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને આ મામલાની જાણ થતાં ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે અંધશ્રદ્ધા તેમજ પોતાના મનમાં રાખેલો વહેમ ક્યારે તમારી ઉપર હાવી થઈ જાય તેની ખબર પડતી નથી. અનેક જિંદગીઓ અંધશ્રદ્ધાને કારણે હોમાઈ ગઈ છે. શ્રદ્ધા પર વિશ્વાસ રાખો અંધશ્રદ્ધા પર નહીં!