રાજ્યમાં આજે સવારથી ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, રાજ્યના સાર્વત્રિક કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત ચિંતાજનક બની છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે સૌથી માઠી અસર થઈ છે, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોનો સમાવેશ થાય છે.
જામનગરમાં ડુગળીના પાકને નુકસાન
કૃષિમંત્રી રાઘવજી પટેલના જામનગર જિલ્લામાં ખેડૂતો પર કુદરતી આફતે કહેર વરસાવ્યો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. બજરંગપુર ગામમાં વરસાદના કારણે પાથરે પડેલ ડુંગળીનો પાક પલડી ગયો હતો. 10 વિઘામા વાવેલ ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતને મોઢે સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. જામનગરના આસપાસ ઘણા બધા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.