ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. આપણને બે ટંકનું ભોજન મળી રહે તે માટે ખેડૂતો દિવસરાત મહેનત કરી પાકની માવજાત કરતા હોય છે. દિવસરાત જોયા વગર તેઓ ખેતરમાં મહેનત કરે છે ત્યારે જ આપણી થાળીમાં ભોજન આવે છે. આટલી બધી મહેનત કર્યા બાદ પણ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે, અનેક યોજનાઓ લાવવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દિવસેને દિવસે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. વિકસીત ગણાતા ગુજરાતમાં જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. 57 હજાર જેટલું દેવું ખેડૂતો પર છે.
ખેડૂતોની આવક બમણી થવાને બદલે કફોડી બની!
દેશના અર્થતંત્રને જેટલું આગળ ઉદ્યોગપતિઓ લઈ જાય છે તેટલો જ મહત્વનો ફાળો ખેડૂતોનો પણ હોય છે. ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવતું કે ખેડૂતોની હાલત જેટલી સારી હશે તેટલી જ દેશની પ્રગતિ થઈ છે તેવું માનવામાં આવે છે. ખેડૂતોને જગતનો તાત કહેવાય છે. સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવતા હતા કે વર્ષ 2022માં દરેક ખેડૂતની કમાણી બમણી હશે. ખેડૂતો પણ સમૃદ્ધિથી સંપન્ન થશે. ખેતી માટે કૃષિ અનેક લોન લેતા હોય છે. લોન લઈને પણ ખેડૂતો ખેતી કરે છે. એક તરફ ખેતી કરવી, ખેતીને લગતી દરેક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા જેવી વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાકના પોષણક્ષમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવક બમણી થવાની તો વાત દૂરની રહી પરંતુ ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.
ગુજરાતના દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું!
લોન લઈને પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના મતે, ગુજરાતમાં કુલ મળીને 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. દેવું વધવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એક તરફ પોષણસમા ભાવ નથી મળતા તો બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પણ ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ વખત અતિશય વરસાદને કારણે તો કોઈ વખત અતિશય ગરમી પડવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. લાખો ખેડૂતોએ ખેતી કરવા માટે કુલ મળીને એક લાખ કરોડની લોન લીધી છે. પરંતુ હજી પણ દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું છે.
કુદરતી આફત પણ પહોંચાડે છે ખેતીના પાકને નુકસાન
પહેલા મજૂરી કરી, દિવસ રાત એક કરી ખેતરમાં ખેતી કરે, પરંતુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે તેમને પોષણસમા ભાવ નથી મળતા. અને અંતે ખેડૂતો પ્રતિદિન દેવાના ભાર નીચે ડુબતા જાય છે. જેટલી આર્થિક સહાય સરકાર ખેડૂતોને કરે છે તેનાથી વધારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારે આવે છે. ખેડૂતોને એ પણ ખબર નથી હોતી કે તેમનો પાક સફળ જશે કે નિષ્ફળ. કુદરતી આફત તેમની હાલતને વધુ કફોડી બનાવશે કે પછી કુદરત તેમને સાથ આપશે. અસમંજસ વચ્ચે ખેડૂતો જીવતા હોય છે.