રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનના લોકોને 450 રૂપિયે ગેસનો બાટલો આપવાનો પહેલો વાયદો પુરો કર્યો પછી ગુજરાતમાં પણ હવે માગ બુલંદ બની છે. આજે ધોરાજીમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ધોરાજી શહેરમાં પોસ્ટરો લગાવી ગુજરાતની ભાજપ સરકારને રાજસ્થાનની તર્જ પર 450 રૂપિયામા ગેસ સિલિન્ડર આપવા માટે માગ કરવામાં આવી હતી.
ગુજરાત સાથે અન્યાય કેમ?
ધોરાજીમાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં ગુજરાત સરકારને સવાલ કરાયો હતો કે રાજસ્થાનમાં 450માં ગેસનો બાટલો તો ગુજરાતને અન્યાય કેમ? પોસ્ટરોના માધ્યમથી કોંગ્રેસે ભાજપની દુ:ખતી રગ પર હાથ મુક્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકારને ઘેરી હતી. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રજાનો અવાજ ઉઠાવતા સરકારને સવાલ કર્યા કે જો પાડોશી રાજ્યમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર અપાય છે તો પછી ગુજરાતના લોકોને કેમ નથી અપાતો? રાજસ્થાનમાં જે લોકોને 450 રૂપિયાના સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવી છે. આ લાભાર્થી મહિલાઓને પહેલા 500 રૂપિયે સિલિન્ડર મળતું હતું. જેમાં 10 ટકા જેટલો કપાત કરતા હવે 450 રૂપિયાનું સિલિન્ડર આપવામાં આવશે. યોજના મુજબ મહિનામાં એક સિલિન્ડર પર જ સબસિડી આપવામાં આવશે. હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સતા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના લોકો 3 દશકથી સરકારમાં ભાજપને ચૂંટે છે, તો પછી તેમને અન્યાય કેમ થઈ રહ્યો છે.