વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત એવા કામો કરતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અચાનક એવી જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે પીએમ મોદી અચાનક દિલ્હી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા અને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં બેસી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી.
દિલ્હી યુનિવર્સિટી પહોંચવા મેટ્રોમાં બેઠા પીએમ મોદી
પહેલી મે 1922ના રોજ દિલ્હી વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. વિશ્વવિદ્યાલયમાં અનેક કોલેજો તેમજ વિભાગો આવેલા છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યુનિવર્સિટીના સમારોહમાં પહોંચવા માટે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો સહારો લીધો હતો. મેટ્રો ટ્રેનમાં મુસાફરી પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.
અનેક વખત પીએમ મોદી કરી ચૂક્યા છે મેટ્રોમાં સફર
મહત્વનું છે કે આની પહેલા અમદાવાદની મેટ્રો ટ્રેનમાં તેમણે મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનનો જ્યારે પીએમ મોદીએ આરંભ કરાવ્યો તે જ દિવસે તેઓ મેટ્રો ટ્રેનમાં બેઠા હતા અને ત્યારે પણ સાથે મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તે સિવાય તેમણે પુણે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરી છે. વિદ્યાર્થીઓ સાથે તેમણે વાત કરી હતી. દર વખતે પીએમ મોદી ટિકિટ લઈને મેટ્રો ટ્રેનની મુસાફરી કરી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક તસવીરો તે શેર કરતા રહે છે.