ડાકોરમાં વીઆઈપી એન્ટ્રીની સુવિધા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વીઆઈપી એન્ટ્રીની વાતો શરૂ થતાં જ વિવાદો શરૂ થઈ ગયા છે. હિંદુ સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય પરત લેવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે. નિર્ણયને પાછો ખેંચી લેવા અપીલ કરી છે અને જો નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અનેક ભક્તોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
VIP દર્શન માટે ચૂકવવા પડશે 500 રુપિયા
ડાકોરના ઠાકોર તરીકે સુપ્રસિધ્ધ ખેડાના ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં હવે ઠાકોરજીના નજીકથી દર્શન થઈ શકશે. આ માટે VIP દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ટેમ્પલ કમિટીએ સર્વાનુમતે લીધો છે તે મુજબ હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને VIP દર્શનની સુવિધા આપવામાં આવશે. 500 રૂપિયા ચુકવીને કોઈ પણ શ્રધ્ધાળું VIP દર્શન સુવિધાનો લાભ લઈ શકશે. હવે શ્રધ્ધાળું ઠાકોરજીની સન્મુખ કીર્તન જાળીમાં ઉંબરા પાસે જઇને ભગવાનના નજીકથી દર્શન કરી શકશે. પ્રારંભિક તબક્કે VIP દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી દર્શન માટે મંજૂરી મેળવી શકાશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.
પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ છે દર્શનના રેટ
ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.