ભારતીય જનતા પાર્ટી કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થવાની બાકી છે. લગભગ ૧૦ મહિના બાદ જેટલો સમય પસાર થઇ ચુક્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો અધ્યક્ષ નક્કી નથી કરી શકી . હમણાં જ બજેટ સત્રમાં ચર્ચા દરમ્યાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અખિલેશ યાદવે બીજેપી પર તંજ કસ્યો હતો. તો આવો જાણીએ કેમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાતમાં વાર થઇ રહી છે સાથે એ પણ જાણીશું કે કયા સંભવિત ચેહરાઓ જેમની પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી કે જેનો સ્થાપના દિવસ ગઈ કાલે જ ગયો . બીજેપીના સમગ્ર ભારતમાં ૧૨ કરોડ સદસ્યો છે સાથે જ તે દાવો કરે છે કે આ આખી પાર્ટી કેડર બેઝ્ડ છે . પરંતુ હવે જ્યારથી ગયા વર્ષે લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પતી છે ત્યારથી જ બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક બાકી છે. લોકસભાની ચૂંટણીઓ પતી ત્યારબાદ બીજેપીના પાર્લિયામેંટ્રી બોર્ડે વર્તમાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જ્યાં સુધી સંગઠનની ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી લંબાવી દીધો છે. જોકે આ પછી મહારાષ્ટ્ર , ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવી ગઈ માટે આ સંગઠનની ચૂંટણીઓ પાછી ઠેલવાતી ગઈ.
જોકે આ બાબતે ઘણીબધી બાબતો બહાર આવી હતી જેમ કે , બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પાને નથી એટલેકે તેમની વચ્ચે સંગઠનને લઇને વિખવાદ છે. પછી વાત આવી કે કોઈ મહિલાને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય અને ત્યારપછી દક્ષિણના રાજ્યમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય એવી વાત પણ બહાર આવી. જોકે , બીજેપીમાં સંગઠન મહામંત્રી બીએલ સંતોષ છે તે દક્ષિણના છે તો પછી દક્ષિણમાંથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની શક્યતા ઓછી છે. જોકે હવે જે નામ બીજેપી અધ્યક્ષની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમાં કેન્દ્રીય પયાર્વરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ , કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ , નીતિન ગડકરી કે જેઓ માર્ગ વાહનવ્યવહાર મંત્રી છે . આ સાથે જ એક નામ અન્ય ચર્ચામાં છે તે છે , હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હાલમાં કેન્દ્રમાં શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટર . ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સહકાર સાધીને એપ્રિલના અંત સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામ જાહેર કરી શકે છે.
વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થાય છે. બીજેપીમાં આ માટે સંગઠનની ચૂંટણીઓ થાય છે. ભાજપનું બંધારણ કહે છે કે , બીજેપીનું ભારતના બધા જ રાજ્યોમાં સંગઠન છે . આ બધા જ રાજ્યોમાંથી ૫૦ ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પુરી થાય તે પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થઇ શકે છે. લાગી રહ્યું છે કે , એપ્રિલના અંત સુધીમાં વાર થઈ શકે છે. અત્યારસુધીમાં ૧૪ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની નિમણુંક થઇ ચુકી છે. આવનારા સમયમાં બાકીના રાજ્યોમાં પણ પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થઇ શકે છે . વાત કરીએ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની તો , જેપી નડ્ડાને જૂન ૨૦૧૯માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા આ પછી ૬ મહિના બાદ જાન્યુઆરી ૨૦૨૦માં જેપી નડ્ડાની બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી . તેમનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ જાન્યુઆરી ૨૦૨૩માં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી લંબાવવામાં આવ્યો છે.