દિનપ્રતિદિન દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત સર્જાતા અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે ઓવરસ્પીડ હોય છે. ત્યારે બિહારના વૈશાલી જિલ્લાના મહનારમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત આઠ લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી વસતિમાં ઘૂસી ગઈ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.
બેકાબુ બનેલી ટ્રકને લીધો અનેક લોકોનો જીવ
અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રવિવાર રાત્રે એવી દુર્ઘટના બની જેણે દરેકને હચમચાવી નાખ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનારની છે જ્યાં બેકાબુ બનેલી ટ્રકે અંદાજીત આઠ લોકોના જીવ લઈ લીધા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ટ્રક બેકાબુ બનતા પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે આઠ લોકો મૃત્યુને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુ આંક વધી પણ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ટ્રક ડાઈવર નશામાં હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
વળતર ચૂકવવાની કરી જાહેરાત
આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ બિહારના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નિતીશ કુમારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.