કેલિફોર્નિયામાં ફરી એક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના કૈલિફોર્નિયાના એક મંદિર પર હુમલો કર્યો છે. મંદિરના બોર્ડ પર કાળા રંગથી લખવામાં આવ્યું કે મોદી આતંકવાદી છે, ખાલિસ્તાન જિંદાબાદ... હિંદુ મંદિર પર ભારત વિરોધી ગ્રેફિટીથી હુમલો કરવામાં આવ્યો છે. વિજયના શેરાવલી મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ
ઘણા સમયથી હિંદુ મંદિરોને ખાલિસ્તાનીઓ નિશાન બનાવી રહ્યા છે. તોડફોડ કરી મંદિરની દિવાલો બહાર સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે. શેરાવલી મંદિર કેલિફોર્નિયાના હેવર્ડ શહેરમાં છે. જે વિસ્તારમાં આ મંદિર આવેલું છે તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પણ છે, જ્યાં બે અઠવાડિયા પહેલા ખાલિસ્તાન સમર્થકોએ આવી જ ગ્રેફિટી બનાવી હતી. આ ઘટના અંગેની તસવીરો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા શેર કરવામાં આવી છે.
મંદિરોમાં સુરક્ષા અંગે કરવામાં આવી વાત!
આ ઘટનાની માહિતી HAF એ પોતાની પોસ્ટમાં આપી છે. એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે આ ઘટના અંગે પોલીસના સંપર્કમાં છે. ખાલિસ્તાન સમર્થકો અને હિંદુ વિરોધી તત્વોના વધતા ખતરાને જોતા તેમણે મંદિરોની સુરક્ષા માટે કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવા પણ કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલી વાર નથી જ્યારે હિંદુ મંદિરો પર હુમલો થયો હોય. વિદેશની ધરતી પર અનેક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવે છે તેવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે.
ભારત વિરૂદ્ધ લખ્યા સૂત્ર!
ઉલ્લેખનિય છે કે બે અઠવાડિયા પહેલા જ એટલે કે 23 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં આવેલા એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી. દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા. આ વખતે પણ મંદિરમાં તોડફોડ કર્યા બાદ પીએમ મોદી વિરૂદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા.