પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી ઈમરાન ખાન તેમની રેલીમાં થયેલા ફાયરિંગથી ઘાયલ થયા છે. ઈમરાન ખાન સાથે અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. ઈમરાન ખાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વજીરાબાદ શહેર સ્થિત અલ્લાહવાલા ચોક પાસે થયેલા હુમલામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયરિંગ કરનારા યુવકની ધરપકડ
ઈમરાન ખાનને જ્યારે SUV પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેના જમણા પગ પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી. ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન તેમની શહેબાઝ સરકાર વિરુદ્ધ લોંગ માર્ચ કાઢી રહ્યા છે, ઈમરાન ખાન લોંગ માર્ચ દરમિયાન તેમની ટ્રક પર ઊભા હતા ત્યારે એક શખ્શે તેમના પર ગોળીબાર કર્યો હતો. ઈમરાન ખાન પર ગોળીબાર થયો ત્યારે અલ્લાહવાલા ચોકમાં ધમાચકડી મચી ગઈ હતી.
હુમલાખોર ફૈઝલ બટ્ટે શું કહ્યું?
ધરપકડ કરાયેલા હુમલાખોરની ઓળખ ફૈઝલ બટ્ટ તરીકે થઈ હતી. હુમલાખોરે મીડિયાને જણાવ્યું કે તે માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, હુમલાખોરે કહ્યું, “ઈમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરતો હતો. તે અઝાન સાથે ડેક મૂકીને અવાજ કરી રહ્યો હતો. હું માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો." હુમલાખોરે આગળ કહ્યું, "મારી પાછળ કોઈ નથી. હું એકલો આવ્યો. જે દિવસે મે લાહોર છોડ્યું તે દિવસથી જ ઈમરાનને મારી નાખવાનો મારો પ્લાન હતો"
ગોળી વાગ્યા બાદ ઈમરાન ખાને શું કહ્યું?
પાકિસ્તાની મીડિયા અનુસાર ઈમરાન ખાનને બંને પગમાં ગોળી વાગી છે. તેમને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ ઈમરાને કહ્યું કે અલ્લાહની કૃપાથી બચી ગયો, તેમણે મને નવું જીવન આપ્યું છે. ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહી લાહોરની શૌકત ખાનુમ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઈમરાન ખાને પરવેઝ ઈલાહી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે સારું અનુભવી રહ્યા છે.
સેના અને શાહબાઝ સરકાર સામે રેલી
સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાન દેશમાં વહેલા ચૂંટણીની માગ સાથે લોંગ માર્ચ કાઢી રહ્યા છે. તેમની રેલીને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જો કે તેઓ ઘણા સમયથી સેના અને સરકારની ટીકા પણ ખુલ્વેઆમ કરતા રહ્યા છે. તેમના પર થયેલા આ હુમલામાં કોનો હાથ છે તે હજી સુધી જાણી શકાયું નથી, કોઈ ગૃપે હુમલાની જવાબદારી સ્વિકારી નથી.