નાણામંત્રી નિર્મલા સીતારણ 1 ફેબ્રુઆરીના દિવસે નાણાકિય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ સંસદમાં રજુ કરશે. તેમાં અનેક પ્રકારના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વૃધ્ધીની જાહેરાત કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 35થી વધુ ચીજોની આયાત પર ટેકસમાં વધારો થઈ શકે છે. વિવિધ મંત્રાલયો પાસેથી ઈનપુટ મળ્યા બાદ સરકારે આવા સામાનોની એક યાદી તૈયાર કરી છે.
કઈ ચીજો થઈ શકે મોંઘી!
સરકારે જે મોંઘી ચીજોની યાદી તૈયાર કરી છે જેમાં પ્રાઈવેટ જેટ્સ, હેલિકોપ્ટર, ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણ, પ્લાસ્ટીકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન્સનો સમાવેશ થાય છે. આયાત ઘટાડવા અને દેશમાં આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ચીજો પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. ગત વર્ષે પણ સરકારે બજેટમાં અનેક ચીજો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.
સ્વદેશીને પ્રોત્સાહન
વર્ષ 2014માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો હતો. સરકાર સ્થાનિક સ્તરે આ ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગત વર્ષે બજેટમાં ઈમિટેશન જ્વેલરી, છત્રીઓ અને ઈયર ફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. તે પહેલા સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી હતી.