કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે લોકસભામાં શિક્ષા રાજ્ય મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો છે જેમાં જણાવાયું છે કે દેશમાં સતત બીજા વર્ષે પણ સરકારી શાળામાં પ્રવેશ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ અંગે માહિતી મંગાવી હતી. આ ડેટાને એકત્રિત કરવા સિસ્ટમ વિકસીત કરવામાં આવી હતી.
સરકારી શાળામાં વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા
2019માં કોરોના મહામારીએ તમામના જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા હતા. અનેક પરિવારે કોરોના સંક્રમણને કારણે કોઈને કોઈ વ્યક્તિને ગુમાવ્યા છે. કોરોના સંક્રમણ પર નિયંત્રણ રાખવા દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક લોકોની નોકરી પણ જતી રહી હતી. ત્યારે સંસદમાં શિક્ષા રાજ્યમંત્રીએ પૂશ્નના ઉતરમાં લેખિતમાં જવાબ આપ્યો હતો જે મુજબ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2019-20માં સરકારી શાળામાં 13.09 કરોડ વિદ્યાર્થીઓ હતા જે વધીને 2020-21માં 13.49 કરોડ થયા. પરંતુ આ સ્થિતિ 2021-22માં પણ જોવા મળી. આ સમય ગાળા દરમિયાન સરકારી શાળામાં અભ્યાસ કરવાર વિદ્યાર્થીઓની સંખ્યા 14.32 કરોડ થઈ ગઈ.
પ્રાઈવેટ સ્કુલનો ઘટ્યો ક્રેઝ
એક સમય એવો હતો જ્યારે પ્રાઈવેટ સ્કુલમાં એડમિશન લેવા માટે લોકો પડાપડી કરતા હતા. પરંતુ કોરોના મહામારીના કપરા સમય બાદ પ્રાઈવેટ શાળાઓને બદલે સરકારી શાળા તરફ લોકો વળ્યા છે. જો પ્રાઈવેટ સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યામાં ઘટાડો થયો છે. 2019-20 દરમિયાન 9.82 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2020-21માં 9.51 કરોડ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ કરતા હતા પરંતુ 2021-22માં આ આંકડો 8.82 કરોડ પર આવી ગયો. ત્યારે કોરોના કાળ પછી ગવર્મેન્ટ સ્કુલ તરફ લોકો વળી રહ્યા છે.