ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમેહર થઈ છે. વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 164 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ગોધરામાં 8.9, શહેરામાં 8.7, વિરપુરમાં 8.1, તલોદમાં 7.1, મોરવા હડફમાં અને ધનસુરામાં 6.7, લુણાવાડામાં 6.6 અને પ્રાંતિજમાં 6.1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આજે આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી
રાજ્યમાં આજ સવારથી વિવિધ જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
રાજ્યના આ જિલ્લાઓ માટે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં થશે મેઘ મહેર
જ્યારે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરુચ, નર્મદા અને સુરતમાં પણ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ, તાપી અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.