મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ રવિવારે IIT બોમ્બેના 19 વર્ષીય વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યા માટે કથિત રૂપે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરી છે. SITને સોલંકીના હોસ્ટેલના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેણે કથિત રીતે લખ્યું હતું કે, "અરમાન, તે મને મારી નાખ્યો"
અરમાન ખત્રીની થશે પૂછપરછ
દર્શન સોલંકી અને અરમાન ખત્રી વચ્ચે ઝઘડાનું કારણ શું હતું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અરમાન ઈકબાલ ખત્રીનું નિવેદન નોંધ્યું હતું, પરંતુ તે બંને વચ્ચે બોલાચાલીનું કારણ શું હતું તે વિશે તે જણાવી રહ્યો નથી.આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકીએ, તે માટે અમે તેની ધરપકડ કરી પૂછપરછ કરવા માગીએ છીએ. અરમાન ઈકબાલ ખત્રી અને દર્શન સોલંકી વચ્ચે મારામારી થઈ અને મામલો આત્મહત્યા સુધી પહોંચ્યો હતો. કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે અરમાન ખત્રીએ કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવા બદલ દર્શન સોલંકીને ધમકી આપી હતી. દર્શન સોલંકી હોસ્ટેલના એ જ ફ્લોર પર રહેતો હતો.
અરમાન ખત્રીએ આપી હતી ધમકી
પ્રાથમિક તપાસમાં પોલીસને સાંપ્રદાયિક ટિપ્પણીનો એંગલ મળ્યો છે.તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા દ્વારા નોંધવામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનના આધારે, તે પ્રકાશમાં આવ્યું છે કે દર્શન સોલંકીએ આત્મહત્યાના લગભગ પાંચ દિવસ પહેલા એક કોમવાદી ટિપ્પણી કરી હતી. જેનાથી અરમાન ખત્રી નારાજ થયો હતો. ખત્રીએ તેને કટર બતાવીને ધમકી આપી હતી કે તે તેને છોડશે નહીં. આ ધમકીથી દર્શન સોલંકી ડરી ગયો હતો અને તેણે અનેકવાર અરમાન ખત્રીની માફી પણ માંગી હતી અને બંને ગળે મળ્યા હતા. જોકે, એવું લાગે છે કે તે ખુબ જ ડરી ગયો હતો. આત્મહત્યાના એક દિવસ પહેલા તેને તાવ પણ આવ્યો હતો.
સુસાઇડ નોટની તપાસ બાદ ખત્રીની ધરપકડ
દર્શન સોલંકી આત્મહત્યા કેસ SITને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. SITની તપાસ દરમિયાન 3 માર્ચે દર્શન સોલંકીના હોસ્ટેલ રૂમમાંથી એક કથિત સુસાઇડ નોટ મળી આવી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે હેન્ડરાઈટિંગ એનાલિસિસ પછી તે બાબતની પુષ્ટિ થઈ છે કે કથિત સુસાઈડ નોટ સોલંકીએ લખી હતી. આ પછી પોલીસે અરમાન ખત્રીની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો.
સમગ્ર મામલો શું હતો?
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના અમદાવાદના રહેવાસી અને B.Tech (કેમિકલ) કોર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીએ IIT બોમ્બેની હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર સરકારે સોલંકીના મૃત્યુની તપાસ માટે SITની રચના કરી હતી.