આપણામાંથી અનેક લોકો અથવા તો મુખ્યત્વે લોકો એવા હશે જે ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ નહીં પહેરતા હોય અથવા તો ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરતા હોય. હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરતી વખતે આપણને માત્ર પોલીસનો ડર લાગે છે પરંતુ આપણે આપણા જીવનને ભૂલી જઈએ છીએ. આવી વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનો અહેવાલ બહાર આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે વર્ષ 2022માં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16715 જેટલા લોકોના મોત થયા છે જ્યારે હેલ્મેટ ન પહેરવાને કારણે 50029 જેટલા લોકોના મોત થયા છે.
વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ/ હેલ્મેટ પહેરવું જોઈએ...
આપણે ત્યાં કાયદો છે કે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ જ્યારે ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ. ન કેવલ ડ્રાઈવરે પરંતુ બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ ન પહેરતી વખતે કદાચ આપણને પોલીસનો અથવા તો મેમોનો ડર લાગતો હશે પરંતુ આપણે વિચારીએ છીએ કે પોલીસ પકડશે ત્યારે જોયું જશે..
હેલ્મેટ ન પહેરવાને કારણે જીવન મૂકાય છે સંકટમાં
સામાન્ય રીતે એવું પણ માનતા હોઈએ છીએ કે થોડા પૈસા આપીશુને એટલે આપણે છુટી જઈશું વગેરે.... વગેરે.... આવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે આપણા જીવન પર કેટલું સંકટ તોડાયેલું છે એ ભૂલી જઈએ છીએ. રસ્તા પર અનેક લોકો એવા મળશે જે હેલ્મેટ વગરના જોવા મળશે. એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરેલો દેખાય છે તો કદાચ આશ્ચર્ય થાય છે.
અકસ્માત કોઈની સાથે પણ સર્જાઈ શકે છે
વાહન ચલાવતી વખતે વાહનચાલકને સેફ્ટી મળી રહે તે માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા જોઈએ. જો અકસ્માત થાય તો બચવાના ચાન્સીસ રહે તે માટે મુખ્યત્વે હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ પહેરવો જોઈએ. પરંતુ અનેક લોકો નથી પહેરતા. તેમને લાગે છે કે અમારો થોડી અકસ્માત થવાનો છે. અનેક લોકો આવા ભ્રમમાં રહેતા હોય છે પરંતુ તે ભૂલી જાય છે કે અકસ્માત કોઈની સાથે પણ સર્જાઈ શકે છે. એ કોઈમાં તમારો પણ સમાવેશ હોઈ શકે છે.
આ આંકડો ચોંકાવનારો છે...
હેલ્મેટ અને સીટ બેલ્ટની વાત આજે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા જે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.. અહેવાલ અનુસાર વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાને કારણે 50,029 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16715 જેટલા લોકોના મોત થયા છે. સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 8384 ડ્રાઈવરોના મોત થયા છે જ્યારે 8331 પેસેન્જરોના મોત થયા છે. તે ઉપરાંત અનેક અકસ્માતો વાહન સ્પીડમાં હોવાને કારણે થયા છે જ્યારે અનેક અકસ્માતો રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ થયા છે.
પરિવાર માટે આપણે સર્વસ્વ હોઈએ છીએ...
આ આંકડા ડરાવવા માટે નથી પરંતુ જાગૃત કરવા માટે છે. અકસ્માત કોઈની સાથે પણ ક્યારે પણ સર્જાઈ શકે છે. આ લાઈન વાંચીને તમે કહેશો કે જે થવાનું છે તો થઈને રહેવાનું છે...! વાત પણ સાચી છે પરંતુ જો તમે સેફ્ટી રાખી હશે તો તમારો જીવ બચી શકે છે. હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ આપણી સેફ્ટી માટે છે ન કે બીજાની સેફ્ટી માટે એ વાત આપણે ન ભૂલવી જોઈએ... આપણને ભલે કદાચ આપણો જીવ વ્હાલો નહીં હોય પરંતુ પરિવાર માટે આપણે સર્વસ્વ હોઈએ છીએ.