પુતિને યુક્રેનના કબજા હેઠળના ચાર વિસ્તારોમાં માર્શલ લૉ લાદ્યો
રશિયન સૈન્ય ખેરસાનની આસપાસના નાગરિકોને બહાર કાઢે છે
પુતિનના આદેશથી પશ્ચિમી દેશોમાં ખળભળાટ, મોટી કાર્યવાહીનો ડર
ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરી
યુક્રેન સેનાની પ્રગતિ જોઈને વ્લાદિમીર પુતિને ડોનેટ્સક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસાનમાં માર્શલ લૉ જાહેર કર્યો છે. આ ચાર વિસ્તારો યુક્રેનના વિસ્તારો છે. જેને રશિયાએ બળજબરીથી પોતાના દેશમાં સામેલ કર્યા છે. યુરોપિયન દેશોને ડર છે કે પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જો.કે પુતિને તેમના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટીનને આ વિસ્તારોની દેખરેખ માટે એક સમિતિ બનાવવાની સૂચના પણ આપી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ સંબંધિત હુકમનામું પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેનિયન દળો રશિયાના કબજા હેઠળના ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસાન વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. રશિયામાં બળજબરીથી સમાવિષ્ટ કરાયેલા આ ચાર પ્રદેશોમાંથી મોટા ભાગના પ્રદેશ પર યુક્રેને ફરીથી કબજો જમાવી લીધો છે. દરમિયાન પુતિનના નિર્ણયને પૂર્વ યુક્રેનમાં રશિયા માટે નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. રશિયાના કબજા હેઠળના ખેરસાનમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રશિયા દ્વારા સમર્થિત સ્થાનિક સત્તાવાળાઓ દાવો કરે છે કે લોકોને યુક્રેન સેનાના હુમલાથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જો કે યુરોપિયન દેશોને ડર છે કે પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. બીજી તરફ ભારત સરકારે પણ યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવાની સલાહ આપી છે.
પુતિને કહ્યું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર પ્રદેશોમાં માર્શલ લો લાદતા દરેક હુકમ નામા પર હસ્તાક્ષર કર્યા છે. તે તરત જ ફેડરેશન કાઉન્સિલને મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાજ્ય ડુમાને નિર્ણયની જાણ કરવામાં આવશે. રશિયન સંસદ ડુમા તરીકે ઓળખાય છે. સુરક્ષા પરિષદના સભ્યો સાથે ટેલિવિઝન વાર્તાલાપ દરમિયાન પુતિને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાં રશિયન સહાય વધારવા માટે વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન હેઠળ વિશેષ સંકલન પરિષદની સ્થાપનાનો પણ નિર્દેશ કર્યો હતો. આ સમિતિ રશિયા દ્વારા ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસાનમાં આપવામાં આવતી સહાયની દેખરેખ રાખશે.
યુક્રેનમાં રહેલા ભારતીયો તાત્કાલિક યુક્રેન છોડી દેઃ ભારત સરકાર
ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને શક્ય તેટલી ઝડપથી યુક્રેન છોડવાની અપીલ કરી છે. દૂતાવાસે તે પણ જણાવ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવ ભીષણ બન્યું છે જેના કારણે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં પણ બિનજરૂરી મુસાફરીથી બચે. આ ઉપરાંત ભારતીય નાગરિકો યુક્રેનની સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા નિર્દેશોનું પાનલ કરે.