જ્યારે આપણી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય, કોઈ આપણને હેરાન કરતું હોય તે પછી આવી અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે આપણે પોલીસને ફરિયાદ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પોલીસથી જ આપણને ફરિયાદ હોય ત્યારે? પોલીસના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન, અનેક પોલીસનો તોડ કરતા વીડિયો સામે આવ્યા બાદ પોલીસની ફરિયાદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સામે ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે હેલ્પલાઈન નંબર છે 14449.

ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
છેલ્લા થોડા સમયથી પોલીસ ચર્ચામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર, પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે. અનેક વખત તોડકાંડના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા તોડકાંડનો વીડિયો સામે આવ્યો હતો જે બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. એસીબી દ્વારા પણ આ અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ પર પોલીસ જ વોચ રાખશે. હાઈકોર્ટમાં સરકારે બાંહેધારી આપી હતી કે ટૂંક સમયમાં એક હેલ્પલાઈન નંબર એક્ટિવ થશે જેની પર પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી શકાશે. 14449 નંબર 15 દિવસ બાદ એક્ટિવ થશે અને તે હેલ્પલાઈન 24/7 કાર્યરત રહેશે.


14449 નંબર પર કરી શકાશે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ
મહત્વનું છે કે જ્યારે પણ કોઈ નાગરિકને ફરિયાદ હોતી હતી ત્યારે પોલીસની સહાય મેળવવા માટે 100 નંબર ડાયલ કરતા હોય છે પરંતુ અનેક વખત જે કાર્યવાહી કરવામાં આવતી હોય તેની પર પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય તો નાગરિકો ક્યાં ફરિયાદ કરે એ એક પ્રશ્ન હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 14449 જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લોકો કરી શકે છે.