ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. મેઘરાજાની સવારી આવતા ખેડૂતોના ચહેરા પર છવાયેલું ટેન્શન થોડુક ઓછું થયું છે. ખેતી વરસાદ પર આધારીત રહેલી હોય છે, અને ખેતી પર આખા ભારતનું અર્થતંત્ર નિર્ભર હોય છે. સારો વરસાદ થાય તો ખેડૂતોને નફો થાય અને જો સારો વરસાદ ન થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ
સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે વરસાદ વરસે તે બાદ ગરમી ઓછી થઈ જશે. વાતાવરણમાં ઠંડક વ્યાપી ઉઠશે પરંતુ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે થોડી અલગ છે. આગામી દિવસોમાં ગરમી વધારે પડવાની છે. હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને આ જ ગરમીને કારણે વરસાદ આવી રહ્યો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ગરમી થવાને કારણે લો પ્રેશર સર્જાય છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે.
20 તારીખ સુધી વરસાદી માહોલ યથવાત રહેશે!
વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. 16થી 20 તારીખ દરમિયાન તો સિસ્ટમ સક્રિય થવાની છે પરંતુ 20 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનાર દિવસોમાં જબરદસ્ત ગરમી પડશે જેને કારણે અનેક લો પ્રેશર બનશે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, અનેક ભાગોમાં વરસાદ થશે.
આ જગ્યાઓ પર થશે ભારેથી અતિભારે વરસાદ
અંબાલાલ કાકાની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના છે. બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. 12 તારીખ સુધી વરસાદ તો યથાવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં તો અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગો એવા છે જ્યાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે અંબાલાલ કાકાની આગાહીને સાચી માનવામાં આવે છે.