ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. અને નવરાત્રીની ઉજવણી થતી હોય ત્યારે તો વાત જ અલગ હોય છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોલીસ 12 વાગ્યે આવીને ગરબા બંધ નહીં કરાવે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. આ જાહેરાત થયાના બીજા દિવસે જ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય.
12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ રમી શકે છે ગરબા - હર્ષ સંઘવી
નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગરબાને લઈ અનેરો ઉત્સાહ ગરબા ચાહકોમાં જોવા મળતો હોય છે. ગુજરાતમાં પહેલા બાર વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવતી હતી. 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી. પરંતુ ખેલૈયાઓમાં આનંદમાં, ખેલૈયાઓના ઉત્સાહમાં ત્યારે વધારો થયો જ્યારે હર્ષ સંઘવીએ મૌખિક રીતે જાહેરાત કરી હતી કે 12 વાગે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.
જો કોઈ ફરિયાદ થશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે - હાઈકોર્ટ
ગરબા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હર્ષ સંઘવીની જાહેરાત બાદ સ્થાનિકો હાઈકોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.