ભારત આગામી 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ ટુર્નામેન્ટના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતના 10 શહેરોમાં યોજાનાર આ વર્લ્ડ કપની તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ કેટલીક મેચોના શેડ્યૂલમાં ફેરફાર થવાની સંભાવના છે. તાજેતરમાં BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. આ ફેરફારો ભારત-પાકિસ્તાન મેચમાં પણ જોવા મળશે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવરાત્રિના કારણે શેડ્યૂલમાં ફેરફાર
ODI વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ બંને વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની હતી, પરંતુ નવરાત્રિના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ મેચ 14 ઓક્ટોબરે રમાઈ શકે છે. તાજેતરમાં, સુરક્ષા એજન્સીઓએ તારીખમાં ફેરફારને લઈને BCCI અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબાના કાર્યક્રમો યોજાય છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં મોટા પાયે આપવામાં આવી રહેલી સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. બીસીસીઆઈ અને આઈસીસી ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરી શકે છે.
જય શાહે પણ સંકેત આપ્યો હતો
ODI વર્લ્ડ કપના મેચના શેડ્યુલના ફેરફાર અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે.