ICCએ હમણાં થોડા દિવસ પહેલા જ આગામી વન-ડે વિશ્વકપને લઈને સંપૂર્ણ શિડ્યલ જાહેર કર્યુ હતું, જેમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 15 ઓક્ટોબરના રોજ રમાવાનો હતો, પરંતુ એ દિવસે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે એ મેચ રીશિડ્યુલ થઈ શકે છે. જોકે BCCIએ આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આગામી 27મી જુલાઈના રોજ BCCIના સચીવ જય શાહ એક બેઠક યોજશે અને તેમાં એ મુદ્દે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં નવરાત્રિનો જબરજસ્ત ઉત્સાહ હોય છે તેથી ઘણી સુરક્ષા એજન્સીઓએ BCCIને સૂચિત કર્યુ છે કે 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે અમદાવાદમાં રમાવનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ કરવામાં આવે.જેને કારણે BCCI ટૂંક સમયમાં નિર્ણય લેશે.
મેચ રીશિડ્યલ થશે તો ચાહકોને ભારે હાલાકી
જો BCCI 15 ઓક્ટોબરે થનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે જેવું ICCએ શિડ્યુલ જાહેર કર્યુ હતું તેવું તરત જ ચાહકોએ મોટાભાગની હોટલ્સના રુમ બુક કરી દીધા હતા. મોટાભાગના ચાહકોએ એક લાખ રુપિયા ઉપરના રુમ પણ બુક કરી દીધા હતા, જેને કારણે જો મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ચાહકોએ તો હોટલ્સના રુમ ન મળતા ફુલ બોડી ચેક-અપના બહાને હોસ્પિટલના બેડ્સ પણ બુક કર્યા છે, એટલે જો કદાચ ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ફેન્સને મુશ્કેલી પડશે એ ચોક્કસ છે.
ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે
આ સિવાય જો વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. વિશ્વકપની ફાઈનલ 19મી નવેમ્બર અને રવિવારના રોજ અમદાવાદ ખાતે રમાશે, આ મેચને લઈને કોઈ પણ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત્ છે. તેથી, માત્ર અમદાવાદમાં રમનારી ભારત પાકિસ્તાન મેચમાં ફેરફાર થઈ શકે છે, બાકીની કોઈ પણ મેચમાં ફેરફાર થશે નહીં તે નક્કી છે.