ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. સામાન્ય વહીવટના એડિશનલ સેક્રેટરી એ કે રાકેશ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગઈકાલે 3 જુલાઈએ સરકારે ડો. ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. હાલ એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા બી રાઠોડને તેમની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે IAS ગૌરવ દહિયા સામે એક મહિલાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે તપાસ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા.
શા માટે સસ્પેન્ડ કરાયા હતા?
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી દિલ્હીની એક ફ્રેન્ડ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુ સિંહને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા.
IAS ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણનો કેસ હાઈ પ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી તત્કાલિન રૂપાણી સરકાર પર પણ તપાસનું દબાણ વધ્યું હતું. અંતે આ કેસ અંગે CM રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં પીડિતાએ પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોંપ્યો હતો, ત્યાર બાદ તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.