કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિક સુધારા કાયદા (citizenship amendment act)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું મંચ પરથી ગેરંટી આપું છું કે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે.
શાંતનુ ઠાકુરે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે, જો તમારી પાસે મતદાર કાર્ડ છે, જો તમારી પાસે આધાર છે, તો તમે નાગરિક છો. તમે મત આપી શકો છો. તમે મતદાન કરનાર નાગરિક છો, પરંતુ અહીં મેં સાંભળ્યું છે કે હજારો લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકોને વોટના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તે તમામ મતુઆ સમુદાયના છે. આ તમામ ભાજપના સમર્થક છે, તેથી તેમને વોટર કાર્ડ આપવામાં આવ્યા નથી.
ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું હતું નિવેદન
કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ડિસેમ્બરમાં CAAને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે CAAને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. કાયદાને લાગુ કરવામાં આવશે કે નહી, આ મુદ્દે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે તેને લાગુ કરવાથી કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
વર્ષ 2019માં સંસદમાં પાસ થયો હતો કાયદો
ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી CAA બિલ કપસાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર દેશમાં તેને લઈને અનેક સ્થાનો પર પ્રદર્શન થયા હતા. આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા પ્રતાડિત ગેર મુસ્લિમો (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી, અને ઈસાઈ)ને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. જો કે અનેક રાજ્યોએ CAA વિરૂધ્ધ કાનુન બનાવ્યો છે, તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે.