ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજના દિવસે મુખ્યમંત્રી પદ મામલે મોટું નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે મારી અને ઠાકોર સમાજની ઈચ્છા છે કે ગુજરાતનો મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને.
પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશઃ અલ્પેશ ઠાકોર
આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ હતું. તેઓએ કાર્યક્રમાં પધારી અને મોટી માગ પોતાની પાર્ટી સમક્ષ મૂકી દીધી હતી. તેમણે સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે ઠાકોર સમાજમાંથી આ વખતે મુખ્યમંત્રી બને. તમામ લોકોએ પોતાની લાગણી મૂકવાનો અધિકાર હોય છે. કારણ કે મુખ્યમંત્રીને ધારાસભ્યોએ પસંદ કરવાનો હોય છે. આથી તમામ પક્ષો પોતાની લાગણી મૂકી શકે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પાર્ટી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. પાર્ટીનો નિર્ણય મારા માટે શીરોમાન્ય હશે. પોતાની ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે.
અગાઉ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ દાવેદારી માટે માગ કરી ચૂક્યા છે પરંતુ, તેમના જ સમાજના ઉમેદવારે બળવો પોકારી અલ્પેશ ઠાકોરને ચૂપ કરાવી દીધા હતા. હવે ભાજપના આયાતી નેતા તેમનો પક્ષ કઈ જગ્યાથી ચૂંટણી લડાવશે તે જોવાનું રહેશે.