ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદારોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી યુવા મતદારોને આકર્ષવા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
વોટિંગ અવેરનેસ કેમ્પઈન દ્વારા મતદારોને કરાશે જાગૃત
ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. મતાધિકારોનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે આગામી સપ્તાહમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેસ કેમ્પઈન ચલાવવામાં આવશે. આ મતદાનમાં યુવાનો પણ ઉત્સાહ સાથે ભાગ લે તે માટે સેલ્ફીનો સહારો લેવવામાં આવી રહ્યો છે. 52 જેટલા બુથ પર સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈ આપણે ત્યાં જોઈએ એટલી જાગૃતતા નથી. આપણે આપણા મતની કિંમત નથી જાણતા. અનેક લોકો એવું માને છે કે મારા વોટથી કંઈ ફરક નથી પડવાનો પરંતુ મતદાનમાં એક વોટની પણ કિંમત હોય છે.
મતદારોમાં મતદાન દિવસને માત્ર રજાની જેમ ન લે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. ત્યારે સેલ્ફી પોઈન્ટને કારણે યુવાઓ મતદાન માટે આકર્ષાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પર્વ પાંચ વર્ષ બાદ આવે છે.