ગાંધીનગર ખાતે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે. આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈ પોલીસનો કડક બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવાયો છે. સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે.
ઉમેદવારો તેમજ જિગ્નેશ મેવાણીની પોલીસે કરી અટકાયત!
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ગાંધીનગર આંદોલનના સમર્થન માટે પહોંચી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે જિગ્નેશ મેવાણીની પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ મેવાણીની સાથે સાથે અનેક ઉમેદવારોને પણ પોલીસે ડિટેન કરી લીધા છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટ હોવા છતાંય સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવતી.
પોલીસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોની અટકાયત
ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ જ્યારે જ્યારે તે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવતી. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉંધી દાંડી યાત્રાનું પણ આયોજન કર્યું હતું, સોશિયલ મીડિયા પર અનેક વખત અભિયાન ચલાવ્યું હતું. થોડા સમયથી શાંત બેઠેલા ઉમેદવારો ફરી એક વખત મેદાને આવી ગયા છે પોતાની માગ સાથે. આ વખતે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણી પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર આવ્યા છે. પોલીસે જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરી લીધી છે.