દેશમાં બધા જ વાહનો માટે HSRP પ્લેટ (high security registration plate) ફરજીયાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આગામી 15 જુલાઈથી રાજ્યના બધા જ વાહનોમાં HSRP નંબર પ્લેટ ફરજિયાત થઈ જશે. એટલું જ નહીં ડીલરોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ નવા વાહનો ડિલિવર કરતાં પહેલા હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવીને જ આપે. 15 જુલાઈથી HSRP વિનાના ટુ-વ્હીલર ચલાવતા ચાલકોને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે કારચાલકો, થ્રી-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સના ચાલકોને અનુક્રમે ત્રણ હજાર, બે હજાર અને ચાર હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આશરે 5 લાખ વાહનો હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) વિના જ રોડ પર ફરી રહ્યા છે. જેમાંથી 1 લાખ જેટલા વાહનો તો 10 વર્ષથી પણ વધુ જૂના છે જ્યારે બાકીના વાહનો છેલ્લા પાંચ વર્ષમાં ખરીદવામાં આવ્યા છે. વાહનવ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજિત 70 ટકા ચાલકોએ HSRP નંબર પ્લેટ લગાવી નથી અથવા તો ફેન્સી અને નંબર સ્પષ્ટ ના દેખાય તેવી નંબર પ્લેટ લગાવી છે જેથી સીસીટીવી કેમેરાની નજરથી બચી જાય અને ઈ-મેમો ના આવે.
વાહનોના ડીલરોની પણ ખેર નથી
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે તમામ નવા વાહનો પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત કર્યું છે અને એ પછી જ ગ્રાહકોને ડિલવીરી આપવાની સૂચના ડીલરોને આપી છે. આ નવો નિયમ 15 જુલાઈથી અમલમાં આવશે. મતલબ કે, કોઈપણ નવું વાહન શો-રૂમની બહાર HSRP વિના નહીં આવી શકે. જો વાહન ટેમ્પરરી નંબર પ્લેટ સાથે જોવા મળશે તો ડીલરને દંડ થશે અને તેની ડીલરશીપ કેન્સલ પણ કરવામાં આવી શકે છે. "HSRP નંબર પ્લેટો સમયસર ડીલરો સુધી પહોંચી જાય તે માટે રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પાંચ એજન્સીઓને કામ સોંપ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં ડીલર સુધી નંબર પ્લેટો પહોંચી જાય તે જોવાનું કામ આ એજન્સીઓનું છે". "જો બપોરે 2 વાગ્યા પહેલા HSRP નંબર પ્લેટનો ઓર્ડર આપવામાં આવ્યો હશે તો એ જ દિવસે તેની ડિલિવરી થઈ જશે. જે ઓર્ડર બપોરે 2 વાગ્યા પછી આપવામાં આવ્યા હશે તેની ડિલીવરી બીજા દિવસે કરવામાં આવશે. સરકારે ટેમ્પરરી નંબર પ્લેટ ધરાવતા અથવા તો અપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર લગાવીને ફરતા વાહનચાલકો સામે પણ તવાઈ બોલાવવાની તૈયારી કરી છે".
RTOના ધક્કા નહીં ખાવા પડે
રાજ્યમાં સામાન્ય રીતે શુભ દિવસે વાહનોનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે. હવે જો આ જ દિવસે વાહન ડિલિવર કરાવવાની ગ્રાહકની ઈચ્છા હોય તો તેમણે યોગ્ય આયોજન પહેલાથી જ કરી રાખવું પડશે. નહીંતર ગ્રાહકને ઓન-પેપર તો વાહનનું પઝેશન મળી જશે પરંતુ તેઓ તેને શો-રૂમની બહાર નહીં લઈ જઈ શકે છે. જ્યાં સુધી HSRP નંબર પ્લેટ ફિટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાહન મળી શકશે નહીં, તેમ અધિકારીએ કહ્યું. આ નવો નિયમ ટુ-વ્હીલરો, કાર, 7.5 ટનથી ઓછી ક્ષમતા ધરાવતા માલવાહક વાહનો, ટ્રેક્ટરો અને અન્ય વાહનો માટે લાગુ કરવામાં આવ્યો છે.આ પ્રકારના વાહનોને આરટીઓમાં જઈને વેરિફિકેશન કરાવવાની જરૂર નહીં પડે. એકવાર સિસ્ટમ પર દસ્તાવેજો અપલોડ થઈ જશે પછી અધિકારીઓ તેની યોગ્યતાની ખરાઈ કરશે અને મંજૂરી આપી દેશે. અગાઉ નંબર પ્લેટ ઈન્સ્ટોલ કરવાની પ્રક્રિયામાં 20 દિવસ લાગી જતા હતા કારણકે ડીલરોને આરટીઓ ખાતે આવેલી એજન્સી સાથે સીધો વ્યવહાર કરવો પડતો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2017માં વાહનવ્યવહાર વિભાગે HSRP નંબર પ્લેટ લગાવવાના ભાવ નક્કી કર્યા હતા. ફોર-વ્હીલર માટે 150 રૂપિયા અને ટુ-વ્હીલર માટે 89 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.