જુલાઈ મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં તો વરસાદે જાણે દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો છે. ગુજરાતમાં હાલ એકપણ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે આગામી થોડા દિવસો વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. સામાન્ય વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે.
અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેને કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદે રાજ્યમાં બ્રેક લીધો છે. માત્ર થોડા વિસ્તારોમાં જ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.આગામી ત્રણ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા, વલસાડ,તાપી તેમજ દમણમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉપરાંત ગાંધીનગર તેમજ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે કરીઆ આગાહી
વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસો દરમિયાન કોઈક જગ્યા પર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા વરસાદ વરસી શકે છે. લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ જામી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાલ્ગુનિ નક્ષત્રમાં અરબ સાગરમાં દબાણ ઉભુ થવાની શક્યતા છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીએ 85 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.