ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહે છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પરમદિવસે શરતના આધાર પર ચૈતર વસાવાને જામીન મળ્યા હતા પરંતુ ગઈકાલે એવી વાત સામે આવી હતી તે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. આ બધા વચ્ચે ભરૂચ લોકસભા બેઠકને લઈ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ભરૂચમાં ભાજપની જીત થશે તેવો આશાવાદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે. ભરૂચ બેઠક પર ભાજપનો જ ઉમેદવાર વિજયી થશે.
લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ભરૂચનું રાજકારણ!
મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો મુદ્દો અનેક વખત સામે આવતો રહે છે. શાબ્દિક પ્રહારો કરવામાં આવે છે જેને લઈ ચર્ચાઓ થતી રહી છે. અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તે બાદ રાજકારણ ગરમાયું છે. અહમદ પટેલના પુત્રે પોસ્ટર લગાવ્યા છે જેને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. તે ઉપરાંત થોડા દિવસ પહેલા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.
ભરૂચ લોકસભા બેઠકને લઈ મનસુખ વસાવાએ કહી આ વાત!
ભરૂચ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે ભાજપના ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરીથી એક વખત ભાજપ ભરૂચ લોકસભા બેઠક પર જીતશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા અનેક ટર્મથી ભાજપના સાંસદ તરીકે મનસુખ વસાવા ચૂંટાયા છે.