આ વખતના પ્રજાસત્તાક દિવસના દેશના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન બન્યા છે. દેશ આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ જોવા મળી જે મહિલાઓના સશક્તિકરણ પર આધારીત હતી. મહિલાઓને કેન્દ્રમાં રાખી થીમ તૈયાર કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ પરેડને નિહાળી. હવે તમને પ્રશ્ન થતો હશે કે એ કેવી રીતે નક્કી થાય કે કયા દેશથી મુખ્ય મહેમાન આવે?
કેવી રીતે નક્કી થાય છે કોણ બનશે મુખ્ય મહેમાન?
મુખ્ય અતિથિ કોણ આવશે તે અંગેની પ્રક્રિયા અંદાજીત 6 મહિના પહેલા શરૂ થઈ જતી હોય છે. આ કામ મુખ્યત્વે વિદેશ મંત્રાલયના સભ્યો સંભાળતા હોય છે. કોઈ પણ દેશને આમંત્રણ આપતા પહેલા એવું જોવામાં આવે છે કે ભારતના તે દેશ જોડે કેવા સંબંધો છે. ભારતના તે દેશ જોડે હમણા કેવા સંબંધો છે, સંબંધો સારા છે કે નહીં તે બધુ જોવામાં આવે છે. તે બાદ આગળના સ્ટેપ પર વધવામાં આવે છે. દેશના રાજકીય, આર્થિક, સૈન્ય અને વ્યાપારી હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવે છે.
1950થી વિવિધ દેશના વડા બની રહ્યા છે ભારતના મુખ્ય મહેમાન!
સૌથી પહેલા કોને કોને આમંત્રણ આપી શકાય તે અંગેનું લિસ્ટ બનાવવામાં આવે છે. લિસ્ટ બનાવ્યા બાદ તેને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પાસે મોકલવામાં આવે છે. લિસ્ટ મોકલ્યા બાદ મહેમાનોનો કાર્યક્રમ જોવામાં આવે છે. તે સમય આપી શકશે કે નહીં તે અંગે વિચારવામાં આવે છે અને તે બાદ ઔપચારિક રીતે કાર્યવાહી આગળ વધે છે. મુખ્ય અતિથિ આવવાની શરૂઆત વર્ષ 1950થી થઈ હતી. ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ભારતના ગણતંત્ર દિવસ પરેડના પ્રથમ મુખ્ય અતિથિ બન્યા હતા.
ક્યારે કોને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા?
ઈતિહાસની વાત કરીએ તો 1950-1970ના દાયકા દરમિયાન, ભારતે બિન-જોડાણવાદી ચળવળ અને પૂર્વીય બ્લોક સાથે સંકળાયેલા ઘણા દેશોના વડાને મુખ્ય યજમાન તરીકે બોલાવ્યા હતા. 1966માં ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધનને કારણે મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બે વખત એવું બન્યું કે ભારતે બે દેશના વડાને એક સાથે આમંત્રિત કર્યા હતા. અને એ વર્ષ હતું 1968 અને 1974. કોરોના મહામારીને કારણે વર્ષ 2021 અને 2022માં કોઈ મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, વર્ષ 2023માં અલ્દેલ ફતહ અલ સિસી ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દેશના મુખ્ય યજમાન બન્યા છે.
આ વખતે મુખ્ય મહેમાન બન્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ
ભારતે 26 જાન્યુઆરી પરેડમાં 36 એશિયન દેશોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ પછી યુરોપના 24 દેશ અને આફ્રિકાના 12 દેશો પ્રજાસત્તાક દિવસ પર ભારત દેશના મહેમાન બન્યા છે. ભારતે દક્ષિણ અમેરિકાના પાંચ, ઉત્તર અમેરિકાના ત્રણ અને ઓશનિયા ક્ષેત્રના એકમાત્ર દેશની યજમાની કરી છે. બીજા દેશના વડાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવા પાછળ રાજનૈતિક સમીકરણો સામાન્ય રીતે જોડાયેલા હોય છે. ભારત દેશના મુખ્ય યજમાન કોણ બનશે તેની પર સૌ કોઈની નજર રહેલી હોય છે.