રાજ્યમાં જુના ખખડધજ મકાનો સ્થાનિકો માટે ખતરનાક બની રહ્યા છે. જામનગરમાં ધરાશાઈ થયેલી બિલ્ડિંગની ઘટના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં રાજકોટ જિલ્લાના જેતપુરના ગોદરામાં 6 જેટલા મકાન તુટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં લગભગ 100 વર્ષ જુનું મકાન ધરાશાઈ થતાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે. 6 જેટલા મકાન પડ્યા ત્યારે જબરદસ્ત અવાજ થયો હતો, બાદમાં લોકો અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
8 વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા
જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપર ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. લગભગ 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.