આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ વખતે ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પર હુમલો કરવા મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ થયા બાદ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાની પત્નીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આજે બંધનું એલાન કરાયું છે. તો બીજી તરફ બંધ મામલે મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ અપીલ કરી છે કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયાપાડામાં બધા બજાર ખુલ્લા રાખે.
ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ
નર્મદામાં અનેક વખત વસાવા Vs વસાવાનો જંગ જોવા મળતો હોય છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જમીન ખેડાણ વખતે ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકાવ્યા હતા. માર માર્યો હતો. ધારાસભ્યે પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. પોલીસે તેમના પત્નીને કસ્ટડીમાં લીધી.
મનસુખ વસાવાએ બંધના એલાન વિશે કહી આ વાત
ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી હતી. ત્યારે ધારાસભ્યના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા માટે આહ્વાહન કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. એક તરફ બંધનું એલાન કરવામાં આવ્યું તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દુકાનો ખુલી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મનસુખ વસાવાએ દુકાનો ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયારાડામાં બધા બજાર ખુલ્લી રાખે, સૌ સાથે મળીને શાંતિ જાળવે અને ગેરમાર્ગે ન દોરાઓ તેવી કાળજી રાખો એવી વાત તેમણે વીડિયોમાં કરી છે.