આપણું વિશ્વ હમણાંજ કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યું છે, અને વિવિધ દેશોના અર્થતંત્રો તો હજુ પાપા પગલી ભરી રહ્યા છે. ત્યાં તો ચાઇનાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે જે ડરાવી દે તેવા છે. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે તેવા સમાચાર આવ્યા છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી બાળકોમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાળાઓને બંધ કરી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે જ્યારે હોસ્પિટલો ફૂલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિ કોરોના સમયની યાદ અપાવે તેવી છે.
બાળકોમાં વધી રહ્યો છે ન્યુમોનિયાનો ખતરો
એક સમય હતો તે કોરોનાને કારણે ચીનમાં હાહાકાર મચ્યો હતો. ધીમે ધીમે કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો. કોરોના સમયને યાદ નથી કરવો પરંતુ ચીનમાં એક રહસ્યમય બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેની વાત કરવી છે. એવા સમચાર મળ્યા છે કે હવે ત્યાં ન્યૂમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. તદુપરાંત નાના બાળકો આની ઝપેટમાં ખૂબ ઝડપથી આવી રહ્યા છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે કોરોના સમયની યાદ અપાવે.
WHOએ એલર્ટ કર્યું જાહેર
કોરોનામાંથી વિશ્વ ધીરે ધીરે બહાર આવ્યું છે ત્યારે ચીનમાં ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે તે લિયાઓનિંગ અને પૂર્વ બેઇજિંગમાં તબાહી મચાવી શકે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે WHOએ એલર્ટ જારી કરીને ચીનને આ રહસ્યમય રોગની વિગતો આપવા કહ્યું છે. આના લક્ષણોની વાત કરીએ તો ન્યુમોનિયાથી પ્રભાવિત લોકોમાં ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.
ક્યારથી આ રોગચાળો ફેલાયો તે અંગે નથી સ્પષ્ટતા
ચીનમાં ક્યારથી આ રોગચાળો ફાટી નીકળ્યો તેની જાણકારી સામે આવી નથી. આ કેસ સામે આવવાની શરૂઆત ક્યારે થઈ તે પણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થાય તે વાત સામાન્ય નથી. આ રોગચાળાને મહામારી ગણવું ખૂબ વહેલું છે પરંતુ સાવચેતીના પગલા તો લેવા જોઈએ. મહત્વનું છે કે કોરોના બાદ કોઈ બિમારીનું નામ સાંભળીએ છીએ તો આપણને ડર લાગવા લાગે છે કે શું ફરી એક વખત વાયરલ આતંક મચાવશે?