જીવન જીવવાની પાયાની વસ્તુઓ ગુજરાન ચલાવવા અતિ જરૂરી હોય છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, અનાજ આ તમામ વસ્તુઓમાં જીવન જરૂરી છે. આ સેવા પૂરી પાડવાની પૂરી જવાબદારી સત્તામાં બેઠેલી સરકારની હોય છે. એવામાં નવસારીની એક હોસ્પિટલે અતિ ગરીબ પરિવારના પોણા પાંચ લાખ રૂપિયા માફ કરીને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હોસ્પિટલે અતિ ગરીબ દર્દીના 4.64 લાખ માફ કર્યા
ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં રહેતા યુવાનનું ઓગસ્ટ માસમાં માર્ગ અકસ્માત થયો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના 70 ટકા ફેફસાને નુકસાન થયું હતું અને શરીના ભાગોમાં ઘણા બધા ફ્રેક્ચર થયા હતા. ફેફસા ફાટી જવાના કારણે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી માટે યુવકને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયો હતો. યુવકની ગંભીર પરિસ્થિતિના કારણે લાખો રૂપિયાની જરૂર હતી.
અંતે હોસ્પિટલ સામે આવી
યુવકનો પરિવાર અતિ ગરીબ હોવાના કારણે સ્થાનિક સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સવા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી રાખી હતી. હોસ્પિટલે સમગ્ર બાબત ધ્યાને લઈ યુવકની સારવારના 4.64 લાખ રૂપિયા માફ કરીને સમાજ અને ગુજરાતને ઉદાહરણ પૂરું પાડ્યું હતું.