ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નકલી PA વડોદરામાંથી ઝડપાયો, નશામાં ધૂત બની પોલીસ પર રોફ જમાવતા 3 આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-08 19:25:21

રાજ્યમાં આજકાલ નકલીની બોલબાલા છે, નકલી PMO અધિકારી, નકલી  CMO અધિકારી, નકલી આઈપીએસ, નકલી સરકારી કચેરીઓ નકલી ટોકનાકુ, નકલી IB અધિકારી અને હવે નકલી પીએનો તો જાણે રાફડો જ ફાટ્યો છે. આજે વડોદરા પોલીસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પીએને ઝડપી લીધો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકોએ આતંક મચાવી દીધો હતો. આ યુવાનો પૈકીના એક વરુણ પટેલ નામના યુવકે પોતે ગૃહમંત્રીનો પીએ છે અને તારી બદલી કરાવી દઇશ એમ કહીને પોલીસકર્મીઓને માર માર્યો. વળી, આ શખસો આટલેથી ના અટક્યા તેમણે પોલીસ-વાનનો પીછો પણ કર્યો. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત 3 આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીના નકલી પીએ પણ ઝડપાયા હતા.


કઈ રીતે ઝડપાયો નકલી PA?


વડોદરા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઇએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે હું અને ટ્રાફિક બ્રિગેડના ડ્રાઇવર જ્યોતિષકુમાર પાઉલભાઈ પરમાર (રહે.વડોદરા શહેર) પૂર્વ વિસ્તારમાં સ્પીડગન વાન મોબાઇલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન રાત્રિના આશરે પોણાબે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી પાસે, સર્વિસ રોડ ઉપર આવેલા પારસ ઢાબા પાસે આવતા બે ઇસમ શેડ પર વચ્ચે ઊભા હતા, જેથી અમે અમારી ગાડી રોકી હતી અને તેમને સાઇડમાં ઊભા રહી વાતો કરવાનું જણાવ્યું હતુ. બાદમાં તેઓ એકદમ મારી ગાડી પાસે આવ્યા હતા. અમારી ગાડીનો દરવાજો ખોલીને તેમણે અમને કહ્યું હતું કે તમે કેમ અહીં આવ્યા છો. તેઓ દારૂ જેવા કેફી પીણાંનો નશો કરેલી હાલતમાં હતા. તેમને આ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે તમે ટ્રાફિકવાળા છો, તમારે કોઈ લેવાદેવા નથી, જેમાંથી વરુણ પટેલ નામનો યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી તથા ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો, જેથી તેમને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને મારી સાથે પણ પણ છૂટાહાથની મારામારી કરી હતી અને મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. વરુણ પટેલે જણાવ્યું હતું કે હું ગૃહમંત્રીનો પી.એ. છું, હું તમારી કાલે બદલી કરાવી દઇશ.


પોલીસની ગાડીનો પીછો કરી પોલીસકર્મીને માર મર્યો


આ મામલે પોલીસે વધુ જાણકારી આપતા જણાવ્યું કે આરોપીઓએ એક થાર ગાડી અને બીજી એક સફેદ કલરની ગાડી સાથે અમારો પીછો કર્યો હતો. જેથી અમે સિટી કંટ્રોલ રૂમમાં રાત્રિના સવાબે વાગ્યાના અરસામાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. જેથી હરણી પોલીસ આવી ગઈ હતી. તેમ છતાં તેમણે હરણી પોલીસ સ્ટેશન સુધી અમારો પીછો કર્યો હતો. તેઓ પોલીસ સ્ટેશનની બહાર ગાડીઓ ઊભી રાખીને અમારા ડ્રાઇવરને મારવા આવ્યા હતા, જેથી પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા અને (1) વરુણ નારાયણભાઇ પટેલ (રહે.દરજીપુરા ગામ વડોદરા) (2) આકાશ સુરેશભાઇ પટેલ (રહે.હરણી ગામ, મોટું ફળિયું, વડોદરા) (3) પિનાક વિનેશભાઇ પટેલ (રહે. હરણી ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે પોલીસ સાથે મારામારી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


અગાઉ પણ ઝડપાયો હતો હર્ષ સંઘવીનો નકલી PA


ગીર સોમનાથમાંથી LCB  ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં નકલી PA ની ધરપકડ કરી છે. ત્યારે પોલીસનાં હાથે ઝડપાયેલો શખ્સ ગૃહમંત્રીનાં PA તરીકે રોફ જમાવતો હતો.  ગૃહમંત્રીની ખોટી ઓળખ આપી લોકો પાસે જઈ રોફ જમાવતો હતો. તેમજ ટ્રુ કોલરમાં ગૃહમંત્રીનો ફોટો અને PA  તરીકે લોકો પર રોફ જમાવતો હતો. ગીર સોમનાથ LCb ની ટીમે આરોપીને પકડી તેને પૂછતા તેણે તેનું નામ જગદીશ નંદાણીયા જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...