હિંદુ ધર્મમાં દરેક તીથીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જેમ ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે તેમ જ અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારે આજથી ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આજની એકાદશીને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તિ, સ્તોત્ર કરવાથી વિશેષ લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે ચાર મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.કારતક શુક્લ પક્ષની એકદશીએ દેવ ઉઠે છે માટે દેવઉઠી એકદાશી કહેવાય છે. આ દિવસથી ચાતુર્માસ ખતમ થાય છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 22 નવેમ્બર સુધી છે. દેવપોઢી જવાને કારણે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી.
ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે શયન
હિંદુ ધર્મમાં દરેક મહિનાનું આગવું મહત્વ રહેલું હોય છે. મહિનાનો સીધો નાતો દેવી દેવતા સાથે હોય છે. જેમ આસો મહિનામાં માતાજીની આરાધના કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે તેમ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવ પોઢી અગિયારસ કહેવામાં આવે છે. આજથી ચાર મહિના માટે ભગવાન પોઢી જતા હોય છે જેને કારણે આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક હોય છે. પરંતુ આ વખતે અધિક મહિનો હોવાને કારણે આ વખતનું ચાતુર્માસ પાંચ મહિના ચાલશે.
આ મહિના દરમિયાન થાય છે ભગવાનની પૂજા
ચાતુરમાસની વાત કરવામાં આવે તો ચાતુર માસમાં પહેલો મહિનો શ્રાવણ મહિનો આવે. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાદરવો મહિનો ચાતુરમાસનો બીજો મહિનો છે. ભાદરવા મહિના દરમિયાન ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીને વિધ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે.
કારતક મહિના દરમિયાન આવે છે અનેક તહેવારો
આસો મહિના દરમિયાન શક્તિ એટલે દેવીની પૂજા કરવામાં આવે છે. આસો મહિના દરમિયાન નવરાત્રી આવતી હોય છે. તે સિવાય આ સમય દરમિયાન પિતૃઓની પણ પૂજા કરવાથી લાભ મળે છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આસો મહિના દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે. ચાતુર્માસનો અંતિમ મહિનો છે કે કારતક મહિનો. કારતક મહિનામાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે.કારતક મહિનામાં દિવાળી, ભાઈબીજ, ધનતેરસ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી મનાવવામાં આવે છે. આમ ચાતુર્માસ દરમિયાન ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે.
(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારીત છે.)