અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં તો રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં સ્કોર્પિયો ગાડી ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. એને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ અકસ્માત રાજકોટ-જામનગર હાઈવે પર બન્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે એકદમ ડરાવી દે તેવા છે.
અમદાવાદમાં રવિવારે બની હતી હિટ એન્ડ રનની ઘટના
રાજ્યમાં સતત ત્રીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રવિવારે અમદાવાદના શિવરંજની નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. એ યુવતીના લગ્ન થોડા સમય બાદ થવાના હતા. ડોલી ઉઠે તે પહેલા જ તેની અર્થી ઉઠી. આ મામલો હજી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારે આજે પણ હિટ એન્ડ રનની ઘટના રાજકોટમાં બની છે જેમાં એક યુવકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા!
રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર પાર્ક નજીક સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જે અનુસાર એક્ટિવા ચાલક રોડની રોન્ગ સાઈડ પર ડિવાઈડરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી સ્કૉર્પિયો ગાડી આવી અને એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સુરજસિંહ છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના વ્હાલસોયાને ખોયા હશે.