હિંદુ ધર્મમાં જેટલું સ્થાન ભગવાનના દર્શન કરવાનું હોય છે તેટલું જ મહત્વ ધજા દર્શન કરવાનું પણ હોય છે. અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં પણ હજારો ભક્તો ધજા અર્પણ કરે છે. પ્રતિદિન ભગવાન દ્વારકાધીશને પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી ભક્તો કરી રહ્યા હતા. ત્યારે ભક્તોની લાગણીને માન આપી જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી પ્રતિદિન ઠાકોરજીને 6 ધજા અર્પણ કરવામાં આવશે.
હવેથી પ્રતિદિન 6 ધજા ચઢાવવામાં આવશે
થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. દ્વારકા સહિતના અનેક જિલ્લાઓને એલર્ટ પણ મૂકી દેવાયા હતા. ત્યારે ધજા ચઢાવતા પૂજારીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક દિવસો સુધી ભગવાનને ધજા અર્પણ કરવામાં આવી ન હતી. ધજાની માત્ર પૂજા કરવામાં આવતી હતી. પરંતુ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે પંદર દિવસ સુધી દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવામાં આવતી હતી. ભક્તોએ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ પ્રતિદિન 6 ધજા અર્પણ કરવામાં આવે તેવી ભક્તોની માગ હતી. ત્યારે મંગળવારે એક બેઠક મળી હતી જેમાં મંદિર પર છઠ્ઠી ધજા ચઢાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 2024 સુધી ધજાનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.
ઐતિહાસિક નિર્ણયથી ભક્તોમાં વ્યાપી આનંદની લાગણી
જે નિર્ણય દ્વારકા મંદિર દ્વારા લેવામાં આવ્યો છે તેને ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવે છે. બિપોરજોય વખતે લેવાયેલા નિર્ણયને ભક્તોએ ખુશી ખુશી અપનાવ્યો હતો ત્યારે આ નિર્ણયથી તો ભક્તો ગદ ગદ થઈ ગયા છે. પ્રથામાં કરાયેલા ફેરફારને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હવેથી દ્વારકા મંદિરના શિખર પર પ્રતિદિન પાંચની જગ્યાએ 6 ધજા ચઢશે.