PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચી ચુક્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ U.N મહેતા હોસ્પિટલ જવા રવાના થયા છે. હાલ તેઓ હોસ્પિટલમાં જ છે, તેમણે ડોક્ટરો પાસેથી માતાની તબિયત અંગે વધુ માહિતી મેળવી હતી. પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં બે દિવસ રોકાય તેવી શક્યતા છે.
હીરાબાની તબિયતમાં સુધારો: મેડિકલ બુલેટીન
અમદાવાદની U.N મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા વધુ એક હેલ્થ બુલેટિન સાંજે 6 વાગ્યો જાહેર કરવામાં આવશે.
અગ્રણી નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ
PM મોદીના માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ ભાજપના અગ્રણી નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CMના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવો હીરાબાની ખબર અંતર જાણવા માટે U.N મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.
અમદાવાદમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર
PM મોદી માતાની નાદુરસ્ત તબિયતના પગલે અમદાવાદ આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રીના આગમન અંગે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમના આગમન અગાઉ નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમર્યાદિત સમય સુધી શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. તાત્કાલિક અસરથી અમલ કરવા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે. એરપોર્ટ અને હોસ્પિટલની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.
18મી જૂન 2022ના રોજ શતાયુમાં પ્રવેશ કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયા હતા. હિરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.