કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. અનેક લોકોના મોત આ કુદરતી આફતોને કારણે થયા છે, કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અનેક લોકોના ઘરને તબાહ કરી દીધા છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે કુદરતી આફતને લઈ પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બચાવ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ બોલાવી બેઠક
હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતે લોકોના ઘર છિનવી લીધા છે. સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. લોકોનો બચાવ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મૃતકોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે ખરાબ થતી પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો હજી પણ લાપતા છે.
રવિવારે જે.પી.નડ્ડા જઈ શકે છે હિમાચલ પ્રદેશની મુલાકાતે
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં અનેક નેતાઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં અમિત શાહ, જે.પી.નડ્ડા પણ સામેલ હતા. તે ઉપરાંત રાજનાથસિંહ પણ આ બેઠકમાં સામેલ હતા. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. રાજ્યમાં થતી લેન્ડસ્લાઈડ, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રવિવારે બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે.