ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં તબાહી મચી છે. ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ભૂસ્ખલન થવાને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે અને સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. ત્યારે ફરી એક દુર્ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સર્જાઈ છે. પત્તાની જેમ ઈમારતો પડી રહી છે. કુલ્લુના આનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. તબાહિનો વીડિયો સામે આવ્યો છે જેમાં માત્ર અમુક સેકેન્ડોની અંદર 7 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સતત બનતી ભૂસ્ખલનની ઘટનામાં સંપત્તિને કેટલું નુકસાન થયું તેનું મુલ્યાંકન કરવું અઘરૂં છે તો પણ આ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે.
કુલ્લુમાં બની ભયંકર દુર્ઘટના
હિમાચલ પ્રદેશમાં કુદરત જાણે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળે રહેતું રાજ્ય આજે કૃદરતના પ્રકોપને ઝેલવા મજબૂર બન્યું છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. છેલ્લા અનેક કલાકોથી રાજ્યમાં વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. વાદળ ફાટવાની તેમજ ભૂસ્ખલનની ઘટના સતત બની રહી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં શિવાલય ધરાશાયી થઈ ગયું હતું અને એ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ફરી એક વખત આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુલ્લુમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં માત્ર થોડી જ સેકેન્ડોમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ ગઈ.
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના હાલ થયા બેહાલ
ગુરૂવાર સવારે હિમાચલ પ્રદેશનો એક વીડિયો સામે આવ્યો હતો જે આપણને હચમચાવી દે તેવો છે. આની તાલુકામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સાત જેટલી ઈમારતો જોત જોતામાં પાણીના પ્રવાહ સાથે વહેતી થઈ ગઈ. આની બસ સ્ટેશન નજીક આ દુર્ઘટના બની છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક બાદ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. એકદમ ઝાડ ડગમગવા લાગે છે અને પછી એ ઝાડ એક મકાન પર પડી જાય છે. ઝાડ પડવાથી ઈમારત જમીનદોસ્ત થઈ જાય છે. અને ધીરે ધીરે અનેક બિલ્ડિંગ પડી જાય છે.