રસ્તા પર રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. લોકો પર ઢોરના હુમલાનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. લોકો હુમલાનો શિકાર બની રહ્યા છે. ઢોરના ત્રાસથી મુક્તિ અપાવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 5000થી વધારે પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આજે પણ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. ટીમ જ્યારે ઢોરને પકડવા જાય છે ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે તેવી ઘટના અનેક વખત બનતી હોય છે ત્યારે આ મામલે અધિકારીની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે ચર્ચા થઈ હતી.
રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો
ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે અને મોતને ભેટતા હોય છે. કોઈને ગંભીર ઈજા પહોંચતી હોય છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જજે કહ્યું કે અનેક વખત સમાચારોમાં અમે વાંચીએ છીએ કે રખડતા ઢોરની અડફેટે લોકો આવી રહ્યા છે. જો કામગીરી કરવામાં આવી રહી છે તો તે વાસ્તવિક્તામાં કેમ દેખાઈ નથી રહી? રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર અનેક વખત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું પગલા લેવાયા તેની માહિતી મંગાવાઈ હતી. હાઈકોર્ટમાં તંત્ર દ્વારા 5000થી વધારે પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
એએમસીના અધિકારી પર થયેલા હુમલાથી હાઈકોર્ટ નારાજ
ખરાબ રસ્તા, રખડતા ઢોર મુદ્દે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા માટે જાય છે ત્યારે તેમની પર હુમલો થાય છે. ત્યારે આ અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. એએમસીના અધિકારીઓ પર થયેલા હુમલા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે જાણે પશુને મારતા હોય તેમ અધિકારીઓને માર મારવામાં આવ્યો તે તદ્દન અયોગ્ય છે. ત્યારે સરકાર તરફથી કેસને લડી રહેલા એડવોકેટે કોર્ટમાં જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, ઉપરાંત આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસે સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે.
ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પડે છે મુશ્કેલી
મહત્વનું છે કે અનેક વખત જ્યારે જ્યારે ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. રખડતા ઢોરનો ત્રાસ તો છે પરંતુ ખરાબ રસ્તાઓને કારણે પણ લોકો પરેશાન થાય છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે. અનેક વખત અકસ્માત સર્જાય છે અને વાહનચાલકને મોતને ભેટવું પડે છે. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ જેવી કાર્યવાહી કરવામાં આવી તેવી કાર્યવાહી સામાન્ય દિવસો દરમિયાન થાય તેવી લોકોને આશા છે. મહત્વનું છે કે રખડતા શ્વાનનો ત્રાસ પણ સતત વધતો જઈ રહ્યો છે.