દિવાળી સમયે મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. મોરબી ઝૂલતા પુલમાં બનેલી હોનારતને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે આ મામલાને લઈ હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.
જયસુખ પટેલે મૃતકોના પરિવારને ચૂકવવા પડશે 10 લાખ
30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. અનેક પરિવાર આ ઘટના બાદ વિખેરાઈ ગયા હતા. ત્યારે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવા આદેશ કરાયો છે.
કોર્ટે મોરબી નગરપાલિકાને પૂછ્યા અનેક પ્રશ્ન
કોર્ટે મોરબી પાલિકાની ઝાટકણી કાઢી છે. પાલિકાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાં વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મૂજબ પગલાં લેવાયા? પુલનો કોન્ટ્રાક્ટ 2017માં પૂર્ણ થઈ ગયો હતો જે બાદ નવા ટેન્ડર માટે પ્રોસેસ કરવામાં આવી? પુલની ફિટનેસ સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની હતી? 2008 પછી એમઓયુ રિન્યુ ન થયા તો કઈ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઈ? મોરબી નગરપાકિલાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા?
અનેક પરિવારો પહોંચ્યા હતા હાઈકોર્ટ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ગુજરાત હાઈકોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમને ન્યાય મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ગંભીર દેખાઈ હતી. આજે કોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી.