ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. વરસાદ પણ મનમૂકીને વરસવા જાણે આતુર બન્યો હોય તેવું લાગે છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓને વરસાદે ધમરોળ્યું છે. ગુરૂવારે રાજ્યના 180 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી એવા અનેક જિલ્લાઓ છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ હજી પણ યથાવત જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. સૌથી વધારે ખરાબ હાલત જૂનાગઢ તેમજ ગીરસોમનાથની જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે.
રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે.અનેક જિલ્લાઓમાં વરસાદની ધબધબાટી જોવા મળી રહી છે. થોડા જ વરસાદમાં પાણી ભરાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સૌથી વધારે અસરગ્રસ્ત કોઈ જિલ્લો હોય તો તે જૂનાગઢ અને ગીર સોમનાથ છે. ગીરસોમનાથના સુત્રાપાડાથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને કહેવા મજબૂર કરી શકે છે કે આ મેઘમહેર નથી પરંતુ મેઘકહેર છે. થોડા જ ઓછા કલાકોમાં અનેક ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો જેને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. અનેક એવા વિસ્તારો છે કે સંપર્ક વિહોણા બની ગયા છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ
રાજ્યમાં વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જાણવા માટે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નુકસાની થવા હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ જાણવા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું, મહત્વનું છે કે ન માત્ર ગીર સોમનાથથી એવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ દેવભૂમિ દ્વારકાથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના
જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ વાસીઓેએ પણ આવનાર દિવસોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ માટે તૈયાર રહેવું પડશે. દ્વારકામાં તોફાની વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વધુ વરસાદ રહેવાની સંભાવનાઓ છે. 21, 22 અને 23 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. આ ત્રણ દિવસો બાદ જોર ઘટશે પરંતુ છૂટોછવાયો વરસાદ તો વરસશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના એકાદ ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી છે.