આજે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થતાં શહેરીજનોએ ખુશનુમા માહોલની મજા માણી હતી. છેલ્લા કેટલાક દિવસથી બફારાનો સામનો કરી રહેલા અમદાવાદીઓએ ઠંડકની અનુભૂતી કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન પાસે માર્ગો પર પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ AMCના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓને ઉદ્દેશીને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.
શહેરના આ વિસ્તારોમાં મેઘમહેર
અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે શહેરના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતો. શહેરના લો ગાર્ડન, આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજ, પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, સીજી રોડ, પંચવટી, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. જો કે વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં ઠંઠક પ્રસરી ગઈ હતી અને લોકો આ આહલાદક માહોલનો આનંદ માણવા નિકળી પડ્યા હતા. વરસાદને કારણે માણેકચોક અને ઈસનપુર સહિતના શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાયા છે.