ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના અનેક જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો બીજી તરફ ધોરાજી અને ઉપલેટામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આટલો બધો વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉનાળામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ માત્ર છાંટા પુરતો સિમિત નથી પરંતુ ઈંચમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્ચો હતો. અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉપલેટામાં ગઈકાલ સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સુપેડી, ગઢાળા સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જસદણ અને જામકંડોરણા પણ વરસાદી માહોલ જામ્યો હતો. જો વરસાદની સિઝનમાં આવો વરસાદ વરસ્યો હોત તો ખેડૂતો ખુશ થતા પરંતુ ઉનાળામાં વરસાદ થતાં જે વરસાદ ખેડૂતોને ખુશી આપતો હોય છે તે આજે તેમને રડાવી રહ્યો છે.
કુદરતી આફતથી ધરતી પુત્રો પરેશાન!
રાજકોટમાં તો વરસાદને કારણે પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાને કારણે જગતનો તાત દુખી થયો છે. એક તરફ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ તેમની વાત નથી સાંભળતી. સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ હજી સુધી સહાય આપવામાં આવી નથી.
સરકારે વિશેષ પેકેજની કરી જાહેરાત!
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને લઈ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. સરકારને 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો.