બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. કાળા વાદળોએ આકાશને ઢાંકી દીધા હતા, જેને કારણે બપોરના સમયે સાંજ જેવું અંધારુ છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
મેઘરાજાની પધરામણીથી પ્રસરી ઠંડક
ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના વસ્ત્રાપુર, થલતેજ, વટવા, રામોલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો. કે.કે.નગર, સરખેજ, જુહાપૂરા, નારણપુરા, ઈસ્કોન,પ્રહલાદનગર વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
કાલે પણ જામ્યો હતો વરસાદી માહોલ
વરસાદની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. કાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. બલોલનગર,અખબારનગર,વસ્ત્રાપુર,રાણીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.
વાહનો બંધ થતા
વાહનચાલકો ફસાયા
દર વખતની જેમ
વરસાદનું ઝાપટું આવતા અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયો હતો. તેમજ અનેક જગ્યાએ
પાણીમાંથી વાહનો ચલાવવા પડતા હતા. જેને કારણે વાહનમાં પાણી ભરાઈ જાય છે. પાણી
ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.