રાજ્યમાં મેઘ મહેરને લઈને ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે. આ સાથે જ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. જ્યારે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ પડ્યો છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકના હવામાન અંગે આગાહી કરીને હવામાન વિભાગ જણાવે છે કે, ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ સમયગાળા પછી કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની સંભાવના આજના દિવસ માટે આપવામાં આવી છે તેમાં છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે ઉપરાંત અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. પંચમહાલ, વલસાડ, દાહોદ, ભરૂચ, વડોદરા, દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્તાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ખેડા, આણંદ, તાપી, ડાંગ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ શક્યતાઓ છે. હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન દરિયામાં 45-55 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે પવનો ફૂંકાશે અને દરિયમાં ભારે હલચલ થાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે જેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.